Please enable javascript.

જ્યોર્જિયામાં અકસ્માતના કેસમાં રેકોર્ડ 162 મિલિયન ડોલરમાં સેટલમેન્ટ થયું

Authored byનવરંગ સેન | I am Gujarat 1 Jul 2024, 10:00 pm
Subscribe

2021માં થયેલા એક અકસ્માતમાં રિહેબિલિટેશન સેન્ટરમાં ટ્રીટમેન્ટ લેતી સાત મહિલાનાં કમકમાટીભર્યા મોત થયા હતા



અમદાવાદ: જ્યોર્જિયાની ગ્વિનેટ કાઉન્ટીમાં ત્રણ વર્ષ પહેલા થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં રેકોર્ડ 162 મિલિયન ડોલરમાં સેટલમેન્ટ થયું છે. આ અકસ્માતમાં સાત મહિલાના મોત થયા હતા જ્યારે નવ અન્ય લોકો ઘાયલ થયા હતા. 24 એપ્રિલ 2021ના રોજ થયેલા અકસ્માતમાં I-85 પર દોડી રહેલી વાન પલ્ટી ખાધા બાદ આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. તમામ મૃતક મહિલાઓ તેમજ વાનમાં સવાર અન્ય લોકો એડિક્શન રિકવરી ગ્રુપ હોમના મેમ્બર હતા અને અકસ્માત થયો તે દિવસે એક મિટિંગમાં સામેલ થવા માટે વાનમાં જઈ રહ્યા હતા.

આ કેસમાં મૃતકો તેમજ ઘાયલોના પરિવારજનોએ જે સંસ્થામાં તે લોકો રહેતા હતા તેના પર તેમજ પેસેન્જર વાનના મેકર પર અને વાન ચલાવી રહેલી મોનિકા એલિઝાબેથ સહિતના લોકો સામે લૉસ્યૂટ ફાઈલ કર્યા હતા. ફરિયાદ પક્ષ તરફથી આ કેસ લડનારી લૉ ફર્મ બીસલી એલન અને શિવેર હેમિલ્ટન કેમ્પબેલના જણાવ્યા અનુસાર બંને પક્ષો વચ્ચે 162 મિલિયન ડોલરમાં સમાધાન થયું છે અને જ્યોર્જિયાના ઈતિહાસમાં સિંગલ વ્હીકલ એક્સિડન્ટમાં આટલી મોટી રકમમાં સમાધાન થયું હોય તેવો આ પહેલો કિસ્સો છે.

અકસ્માતનો ભોગ બનેલી વાનમાં કુલ 16 લોકો સવાર હતા, જેની મહિલા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો હતો. પોલીસ રિપોર્ટ અનુસાર વાનની ડ્રાઈવર મોનિકા એલિઝાબેથ બેફામ સ્પીડ પર વાન ચલાવી રહી હતી જેણે લેન ચેન્જ કરવાનો પ્રયાસ કરતાં ઈન્ટરચેન્જ 195 સ્પ્લિટ પર વાન પલ્ટી ખાઈને ઢસડાયા બાદ રસ્તાના છેડે લગાવાયેલા ગાર્ડરેલને અથડાઈને આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. આ અકસ્માતમાં મોતને ભેટેલી મોટાભાગની મહિલા 25થી 35 વર્ષની હતી જેમાં છ મહિલાના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક મહિલાએ બે સપ્તાહની સારવાર બાદ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

કોર્ટમાં ફાઈલ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર ફરિયાદ પક્ષે અકસ્માતનો ભોગ બનેલી વાનની ડિઝાઈન પર સવાલ ઉઠાવી તેને બનાવનારી કંપની પર દાવો માંડ્યો હતો. તેમનો દાવો હતો કે વાનની ડિઝાઈન ભયજનક અને અનસ્ટેબલ હતી, જેના કારણે લેન ચેન્જ કરતી વખતે વાન પલ્ટી ખાઈ ગઈ હતી અને ગાર્ડરેલને અથડાયા બાદ સળગી ગઈ હતી. એટલું જ નહીં, વાનનું મેઈન્ટેનન્સ પણ યોગ્ય રીતે કરવામાં નહોતું આવ્યું તેવો આરોપ પણ ફરિયાદ પક્ષે મૂક્યો હતો.

ફરિયાદ પક્ષના એટર્નીના જણાવ્યા અનુસાર શરૂઆતમાં આ મેટરમાં આઠ લૉસ્યૂટ ફાઈલ કરવામાં આવ્યા હતા, જેમાં સાત લોકોના મોતના અલગ-અલગ કેસ ઉપરાંત આઠ લોકોના ઈજાગ્રસ્ત થવાના એક કેસનો સમાવેશ થતો હતો. જોકે, પાછળથી સાત મૃતકોના કેસને કમ્બાઈન્ડ કરી તેમના પર કાર્યવાહી શરૂ કરાઈ હતી અને સાત લોકોના મોતની સાથે આઠ લોકોના ઘાયલ થવાના કુલ બે કેસ કોર્ટમાં ચાલી રહ્યા હતા. જોકે, સેટલમેન્ટની ડીલ અનુસાર જેમની સામે કેસ કરવામાં આવ્યો હતો તેમાંથી કોણે કેટલી રકમ આપવાની તૈયારી બતાવી છે તેની વિગતો જાહેર કરી દેવાનો ઈનકાર કરી દેવાયો હતો પરંતુ ફરિયાદ પક્ષના વકીલે એટલું ચોક્કસ જણાવ્યું હતું કે 162 મિલિયન ડોલરની રકમમાંથી 16 ફરિયાદીઓને વળતર પ્રાપ્ત થશે.
નવરંગ સેન
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો